માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન , સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા કાયદા પ્રત્યે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન
માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન દ્વારા Extension Activityના ભાગરૂપે તથા સમાજમાં કાયદાકીય જાગૃતિ અને બંધારણીય મૂલ્યોના પ્રસાર-પ્રચારના હેતુથી તા. ૨૫/૦૭/૨૦૨૫ના રોજ ચૌધરી હાઈસ્કૂલ, રાજકોટ ખાતે એલએલ.એમ. અભ્યાસક્રમના ભાગરૂપે "કાયદા પ્રત્યે જનજાગૃતિ કાર્યક્રમ"નું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન બહોળી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને ભારતમાં અમલમાં રહેલા વિવિધ કાયદાઓ, બંધારણીય જોગવાઈઓ, નાગરિકોના અધિકારો અને ફરજો તેમજ દૈનિક જીવનમાં કાયદાના મહત્વ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને કાયદાનું પાલન, કાનૂની જાગૃતિ અને જવાબદાર નાગરિક તરીકેની ભૂમિકાને સમજાવવા સાથે તેમના પ્રશ્નોના સંતોષકારક જવાબો પણ આપવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં ચૌધરી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી વસોયા, માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવનના અધ્યક્ષશ્રી ડૉ. ભગીરથસિંહ એન. માંજરીયા, ભવનના અધ્યાપકશ્રી ડૉ. સાગર અમીપરા તથા સંશોધન વિદ્યાર્થિની સોનલબેન તાવીયાડ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને કાયદાકીય જાગૃતિના મહત્વ વિશે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વિવિધ કાયદાકીય વિષયો અંગે જિજ્ઞાસાપૂર્વક ચર્ચામાં સહભાગી બની કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.આ કાર્યક્રમના આયોજન અને સફળ અમલીકરણમાં એલએલ.એમ.ના વિદ્યાર્થીઓ દ્વારા નોંધપાત્ર યોગદાન આપવામાં આવ્યું હતું.
માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન દ્વારા સમયાંતરે શાળાઓ, મહાવિદ્યાલયો તથા વિવિધ સામાજિક સંસ્થાઓમાં આવા જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરીને કાયદાકીય સાક્ષરતા, માનવ અધિકારો પ્રત્યે જાગૃતિ અને બંધારણીય મૂલ્યોના પ્રસાર-પ્રચાર માટે સતત પ્રયાસ કરવામાં આવે છે.